સંબંધોની સાયકોલોજી હેપ્પીનેસની ચાવી

આપણે સમાજમાં જન્મીએ છીએ, સમાજમાં વિકાસ પામીએ છીએ અને સમાજમાં જ મૃત્યુ પામીએ છીએ. એકલાપણું એ આપણા માટે સજારૂપ છે. આપણે બધા સામાજિક આંતરક્રિયા વગર જીવી શકતા નથી. બાળક શરૂઆતમાં ‘સ્વકેન્દ્રી’ હોય છે. અને ધીરેધીરે ‘સમાજકેન્દ્રી’ બને છે. બાળકની ઉંમર વધતા સામાજિક સંબંધોનું વર્તુળ મોટું થતું જાય છે. સામાજિક સંબંધો વગર આપણું જીવન ટકી શકવું મુશ્કેલ છે. આપણી મોટાભાગની જરૂરિયાતોનો સંતોષ સામાજિક વ્યવહાર દ્વારા થાય છે.

આપણા બીજા સાથેના સંબંધો આપણી શારિરીક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતા માટે જરૂરી છે. આપણા સુખનો આધાર એ આપણા સંબંધો ઉપર છે. આપણા જીવનમાં સંબંધોનો સાથ એ મહત્વની ભૂમિકા ભજવે છે. સંબંધો એ આપણા આનંદજનક અને પીડાજનક પ્રસંગો માટે જવાબદાર છે.

આપણા બધા વ્યક્તિઓમાં કોઈના હોવાની લાગણી મૂળભૂત રીતે જોવા મળે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતા આ લાગણીના લીધે આપણે જૂથમાં કે મંડળમાં જોડાઈએ છીએ. વ્યક્તિની જૂથ સાથે જોડાવાની ઈચ્છા સંતોષાય નહીં ત્યારે તે એકલતાનો અનુભવ કરે છે. સામાજિકતાના વિકાસની સાથે આપણે જૂથમાં જોડાવાનું પસંદ કરીએ છીએ. આપણી વિવિધ જરૂરિયાતોને સંતોષવા માટે જૂથમાં જોડાવું જરૂરી છે. સ્વીકૃતિ માટેની ઈચ્છા, સ્વ-આવિષ્કાર, સત્તાની લાલસા તૃપ્ત કરવાની ઈચ્છા, પોતાનાથી પહોંચી શકાય નહીં તેવા ધ્યેયો હાંસલ કરવાની ઈચ્છા વગેરે અનેક ઈચ્છાઓ આપણે બીજાના સહકાર વગર સંતોષી શકતા નથી. તેથી મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સામાજિક સંબંધોનું મહત્વ છે.

વિવિધ સંબંધોમાં માત્ર છીછરાપણું હોય કે ‘કેમ છો, સારૂ છે’ તેવાં સંબંધો હોય તો તેનો કોઈ જ અર્થ નથી. કેટલાક માણસોને જોઈને તેમને મળવાનું મન થાય છે, જ્યારે બીજા કેટલાંક ને જોઈને તેમને મળવાનું ટાળીએ છીએ. કેટલાક લોકો જોડે કલાકો સુધી ગપ્પા મારીએ કે સમય પસાર કરીએ છીએ જ્યારે કેટલાક ક્યારે તેમની વાત પૂરી કરે અને જલ્દી અહીંથી જાય તેની રાહ જોઈએ છીએ. આમ આપણા સામાજિક સંબંધો મૈત્રીભર્યાથી માંડીને ઉપરછલ્લા હોઈ શકે.

મૈત્રીપૂર્ણ સંબંધો તૂટી જાય તો આપણે શારીરિક રીતે અને માનસિક રીતે ભાંગી પડીએ છીએ. મનોશારીરિક રોગો એટલે કે શારીરિક ફરિયાદોના કે સમસ્યાઓના મૂળ માનસિક બાબતોમાં રહેલા હોય તેમાં સંબંધોનો એટલે કે આત્મીય સંબંધોનાં અભાવ એક મુખ્ય કારણ જોવા મળ્યું છે. માનસિક સમસ્યાઓની સારવાર માટે આવતા લોકોની એક મોટી ફરિયાદ સંબંધોનો અભાવ અને એકલતા જોવા મળી હતી.

આપણા ભારતીય સમાજમાં સંબંધોનું વૈવિધ્ય જોવા મળે છે. આપણા સમાજમાં ભાઈ-બહેન, માતા-પિતા, કાકા-કાકી, માસા-માસી, મામા-મામી, સાળા-બનેવી વગેરે અલગ અલગ પ્રકારના સંબંધો જોવા મળે છે, આવા સંબંધોમાં જો આત્મીયતા હોય તો વ્યક્તિનું જીવન સુખદ અને આનંદમય જોવા મળે છે. વ્યક્તિગત તેમજ સામાજિક જીવનમાં સમાયોજન મેળવી શકાય છે. સંબંધોની હૂંફ આપણને વિવિધ સમસ્યાઓનાં સામનો કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ જો આવા સંબંધોમાં આત્મીયતાનાં અભાવ હોય કે કડવાશ હોય તો આપણા જીવનમાં વિવિધ સમસ્યાઓ જન્મે છે. ગાઢ સંબંધોમાં આત્મીયતાનું પ્રમાણ વધુ હોય છે, આત્મીયતા એટલે પરસ્પરની સમજ, જોડાણમાં ઊંડાણ અને સામેલગીરીની વધુ માત્રા.

આજના સંબંધો ‘હાય-હલ્લો’ કરતાં ‘આત્મીય’ બને તેવા પ્રયત્નોની શરૂઆત કરીએ. સ્વસ્થ સામાજિક સંબંધો બાંધીએ જેથી સમાજ-માનવ વચ્ચે મૈત્રીયુક્ત સંબંધો વધે અને ઉષ્મામાં વધારો કરીએ.

© GIPS Hospital. All Rights Reserved. Designed by PlusOneHMS