માનસિક દર્દીના પરિવારજનો ની સમસ્યા

માનસિક દર્દીઓ એ એવા પ્રકાર ની વ્યક્તિઓ છે કે જેઓને માનસિક સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ હોય છે. આ સમસ્યાઓ એ તેનાં પરિવાર નાં અન્ય સભ્યોને પણ પ્રભાવિત કરે છે. આવા માનસિક દર્દીઓની સારસંભાળ રાખનાર પરિવારનાં સભ્યોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવા દર્દીઓની સારસંભાળ રાખવી એ કુટુંબનાં સભ્યો માટે પણ પડકારરૂપ કાર્ય બની જતું હોય છે. આવી સમસ્યાઓ વિશે ચર્ચા કરીએ.

માનસિક દર્દીની ફરિયાદોને સમજવી તેની બીમારી વિશેની વાતચીતને સમજવી અનેતેને યોગ્ય રીતે પ્રત્યુતર આપવું એ પણ કુટુંબનાં સભ્યો માટે મુશ્કેલકારક છે. માનસિક દર્દીઓનાં કુટુંબીજનો પરપણ ઘણીવાર દુખ , ચિંતા અને અવસાદ નો પ્રભાવ પડે છે. દર્દીની સારવાર કરતાં તેઓ પણ ઘણીવાર માનસિક અસ્વસ્થતા અનુભવે છે. માનસિક દર્દીઓની સારી રીતે સંભાળ રાખવી એ પણ તેમનામાં તણાવ જન્માવે છે. ઘણા કુટુંબીજનો એ આર્થિક રીતે પણ એટલા સધ્ધર હોતા નથી કે તેઓ આ દર્દીની સારવાર પાછળનો ખર્ચ ઉઠાવી શકે, આમ તેઓને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમાં માનસિક દર્દીને સાચવવામાં ધંધાકીય અનિયમિતતા પણ સર્જાય છે અને તેનાથી પણ નાણાંકીય તંગી વર્તાય છે. લાંબાગાળાની આવી સારસંભાળ એ કુટુંબીજનોનાં આત્મવિશ્વાસને પણ અસર કરે છે. પરીવારનાં સભ્યો પણ ડિપ્રેશનની લાગણીનો અનુભવ કરવા લાગે છે. માનસિક દર્દીઓ એ સામાન્ય રીતે બીજા બધા સમાજનાં લોકો સાથે સામાન્ય વ્યવહાર રાખી શકતા નથી. તેથી આવા દર્દીઓ નાં પરિવારજનો નાં સામાજિક સબંધો પર અસર વર્તાય છે. તેઓનાં પાડોશીઓ અને કૌટુંબિક સબંધો મર્યાદિત બની જાય છે.

ઘણીવાર માનસિક દર્દીઓ ઉપર નકારાત્મક વિચારોનું દબાણ વધી જાય છે. તો આવા ઘણાં દર્દીઓ માં આત્મહત્યાનાં વિચારો,પોતાની જાતને નુકશાન કરવાનું વલણ જોવામળે છે. આવા માનસિક દર્દીઓ પોતાની જાત માટે અને પરિવારનાં સભ્યો માટે હાનિકારક સાબિત થાય છે. ત્યારે દર્દીને આ વિચારોમાંથી બહાર લાવવાનું પણ પરિવારજનો માટે પડકાર બની જાય છે.ઘણીવાર કેટલાક દર્દીઓ આક્રમક બની જતા હોય છે. ત્યારે તેઓ કુટુંબનાં બીજા સભ્યો, પાડોશીઓ અને તેના સંપર્કમાં આવનાર બીજા વ્યક્તિઓ માટે જોખમકારક બની જાય છે. ઘણીવાર આવા દર્દીઓ મારઝૂડ, ગાળાગાળી, તોડ-ફોડ પણ કરી બેસે છે. ત્યારે આવા દર્દીઓને શાંત પાડી નોર્મલ સ્થિતિ માં લાવવાનું પરિવારજનો માટે ઘણું મુશ્કેલ બની જાય છે. માનસિક દર્દીઓને સમયસર દવાઓ આપવી, ડોક્ટરનું કન્સલ્ટેશન, સમય પર યોગ્ય રીપોર્ટ્સ, નિદાન કરાવવું ખુબજ જરૂરી છે. આ બધુ પણ કુટુંબનાં સભ્યો માટે જવાબદારીપુર્ણ કાર્ય બની જાય છે.

માનસિક દર્દીઓના પરિવારજનો ને આપણે માનસિક દર્દીઓની અસમજતા અને તેમની બીમારી વિશે માહિતી આપી શકાય છે. ઘણીવાર માનસિક દર્દીઓનાં કુટુંબીજનોની અમુક ગેરમાન્યતાઓ પણ તેઓના સ્ટ્રેસ અને દુખમાં વધારો કરે છે. જેમકે માનસિક દર્દીઓ કદી સાજા થઈ શકતા નથી, તેઓને આખી જિંદગી દવાઓ ખાવી પડે છે, આવી દવાઓ ખાવા છતાં પણ તેઓ ક્યારેય નોર્મલ થઈ શકશે નહીં કે નોર્મલ જીવન જીવી શકશે નહીં. આવી ગેરમાન્યતાઓ પણ પરિવારના સભ્યોમાં હોય છે. જેના માટે આપણે પરિવારજનોને તેમાટે યોગ્ય માર્ગદર્શન આપી શકાય જેમકે, અમુક બીમારીઓ જે હળવા કે સૌમ્ય પ્રકારની હોય છે. જેમાં ટુંકાગાળાની સારવાર થી દર્દી સાજો થઈ જાય છે, અને અમુક બિમારી એ ગંભીર કે તીવ્ર પ્રકારની હોય છે જેમાં દર્દીને ખુબ લાંબાગાળા સુધી કે ક્યારેક જીવનભર દવાઓ લેવી પડે છે, આવી યોગ્ય માહિતી પરિવારજનોને આપીને તેમની ગેરમાન્યતાઓ દૂર કરી શકાય છે.

માનસિક દર્દીના કુટુંબીજનો ને દર્દીઓની સારવાર સરકારી હોસ્પિટલમાં કરાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. પરિવારના સભ્યોને એ સમજ આપવી જોઈએ કે સરકારી દવાખાનામાં પણ સારવાર સારી મળી શકે છે, તેમાં પ્રાઇવેટ હોસ્પિટલોની જેમ VIP સગવડ ન મળે, પણ અનુભવી ડોક્ટરસ દ્વારા ઉત્તમ પ્રકારની સારવાર મળી શકે છે અને આવી સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે દર્દીઓને દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. સાથેસાથે એ પણ જાણકારી આપી શકાય કે હવે માનસિકરોગો ને પણ મેડીક્લેમ માં સ્થાન આપવામાં આવ્યું છે કે જેના કારણે હવે માનસિક દર્દીનાં સારવારનાં ખર્ચમાં કુટુંબીજનો રાહત અનુભવી શકે છે.

માનસિક દર્દીની સારવારમાં કુટુંબીજનો થોડાઅંશે ફાળો આપી આવી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. જેમકે માનસિક દર્દીએ સમયસર દવા લઈલે તે ધ્યાન રાખવું, તેને નિયમિતપણે ચિકિત્સક નિદાન, યોગ્ય રિપોર્ટ્સ કરાવવાં, દર્દીને તેની બિમારી કે વર્તન અંગે વારંવાર ન ટોકવા, દર્દીની બિમારીની સ્થિતિ, કામ કરવાની ક્ષમતા,આવડત વગેરે અનુસાર દર્દી પાસે કામ કરાવી શકાય, તેમના પર કામનો બોજો અને કાર્ય કરવાનો સમય ધીમેધીમે વધારવો જોઈએ, દર્દી જે પણ કામ કરે તેને હકારાત્મક વલણ અપનાવીને પ્રોત્સાહિત કરવો જોઈએ. આમ કરવાથી દર્દીમાં એવી ભાવના ઉભી કરી શકાયકે તે પણ કોઈક રીતે મદદરૂપ અને સ્વાવલંબી છે.

આમ માનસિક દર્દીના વર્તન અને અસમજતા ને સમજીને તેમને મદદરૂપ થઈએ.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS