આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના સૂચનો

મોટાભાગ ના કિસ્સાઓમાં જે તે વ્યક્તિ પોતાની વાત, લખાણ, વર્તન કે ચિત્ર દ્વારા તેના મનમાં આત્મહત્યાના વિચારો આવી રહ્યા છે, તેનો સંકેત આપે છે, તે એવા વિચારો વ્યક્ત કરે જેમ કે, અમુક પ્રકારની વાતચીત "આ કદાચ આપણી છેલ્લી મુલાકાત છે." કે "હવે હું તમારા માટે સમસ્યારૂપ નહિ રહું."

ઇન્ટરનેટ પર પોતાની જાતને ઇજા કરવાની, આત્મહત્યાની પ્રેરણા આપતી વેબસાઈટ સર્ચ કરવી, મનગમતી વસ્તુઓ નો ત્યાગ કરવો, પોતાની બચત અને મૂડી અંગે વસિયત કરવી, પહેરવેશ, દેખાવ, મનગમતી પ્રવુતિઓ અંગે બેદરકારી, એકલા રહેવાનું પસંદ કરવું , સગાસબંધી અને કુટુંબના સભ્યો કે મિત્રો સાથે મળવાનું ઓછું કરી દેવું, વધુ પડતા બેચેન રહેવું, રડયા કરવું, ચુપચાપ રહેવું, ઊંઘ-ભૂખ ઓછા થઇ જવા, વધારે પડતા નકરાત્મક વિચારો આવવા, પોતાની સમસ્યાનો કોઈ ઉપાય જ નથી તેવી હતાશા, જોખમી વર્તન, નકારાત્મક બોલવું, આ ઉપરાંત સતત તણાવમાં રહેતી વ્યક્તિ અચાનક સ્વસ્થ થઇ જાય, રીલેક્ષ થઇ જાય તે દર્શાવે છે કે, તેણે જીવનની તમામ સમસ્યાઓને હલ કરવાના ઉપાયરૂપે આત્મહત્યા કરવાનો અંતિમ નિર્ણય કરી લીધો છે.

આવા બધા ફેરફારો જો કોઈ તરુણ, યુવાન કે કોઈપણ વ્યક્તિમાં દેખાય તો તેણે અવગણવા જોઈએ નહીં. આવા ચિન્હો ધરાવતી વ્યક્તિ આત્મહત્યા કરશે જ એવું જરૂરી નથી, પરંતુ તે માટે સજાગ રહેવું જરૂરી છે. આ પ્રકારના વોર્નિંગ સિગ્નલ્સ ને ઓળખતાં શીખવાથી લોકોમાં માનસિક સમસ્યાઓ અને આત્મહત્યા અંગે ઘણી જાગૃતિ લાવી શકાય છે, અને આત્મહત્યા નું પ્રમાણ ઘટાડી શકાય છે.

જયારે આત્મહત્યાના સૂચક એવા સિગ્નલ્સ કોઈપણ વ્યક્તિમાં જોવા મળે તો તેને અવગણવા જોઈએ નહીં, "સમય જતા, આવા વિચારો જતા રહેશે તે અંગે ચિંતા કરવા જેવું નથી." આવું વલણ જોખમી નીવડી શકે છે. આત્મહત્યા અંગે' જે વ્યક્તિને વિચારો આવતા હોય તેની સાથે સીધી ભાષામાં, સરળ સહાનુભૂતિપૂર્વક વાત કરવી જોઈએ. તેને તેની મુશ્કેલી અંગે જે વાત કરવી હોય તેને ખુલ્લા મને કરવા દેવી. તેના વિચારોને વ્યક્ત કરવાની તક આપવી, તે રીલેક્ષ થઈને હળવાશથી પોતાની વાત કરી શકે તેવું વાતાવરણ આપવું. તાત્કાલિક સલાહ સૂચનો- ઉપદેશ ના આપવા, દરેક વ્યક્તિ માટે પોતાના પ્રશ્નો હંમેશા ગંભીર જ હોય છે, તે વ્યક્તિને એકલી ક્યારેય ના મુકો, ઘરમાં જોખમી, ઝેરી ચીજવસ્તુઓ, દવાઓ, હાનિકારક પદાર્થો હાથવગા ન રાખો, વ્યક્તિની મજાક ના ઉડાવો, તે વ્યક્તિ નબળા મનની છે કે પાગલ એવી મજાક ના કરવી, તેને વિવિધ શારીરિક પ્રવૃતિઓ જેમ કે ચાલવું, દોડવું, કસરત કરવી જેવી પ્રવૃતિઓમાં રસ લેતા કરીને પણ તેમની માનસિક સ્વસ્થતા પાછી લાવવામાં મદદરૂપ થઇ શકાય છે.

આત્મહત્યાના વિચારો આવતા હોય ત્યારે પરિવારજનોએ તાત્કાલિક સાઈક્રિયાટ્રીસ્ટ કે કાઉન્સેલરનો સંપર્ક કરવો જોઈએ તેમની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ. દવાઓ, કાઉન્સેલિંગ, ઈ.સી.ટી સારવાર આપી શકાય. સારવારના શરૂઆતના તબક્કામાં તે વ્યક્તિના લક્ષણો માં સુધારો લાગે, તો પણ સચેત રહેવું, કારણકે આ તબક્કામાં વર્તન પર કંટ્રોલ આવે છે, પણ નકારાત્મક વિચારો મનમાં ચાલુ હોય છે. તેથી વ્યક્તિ આવી વાતો કરતા બંધ થાય તો પણ આત્મહત્યાનો પ્રયાસ કરે તેની શક્યતાઓ રહેલી છે. આત્મહત્યા ના વિચારો કરનાર વ્યક્તિ સાથે કુટુંબીજનોનો વ્યવહાર સહકારભર્યો હોવો જોઈએ, આમ કુટુંબીજનો દર્દીને મદદ આપી શકે છે.

આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં :-

  • સમાજમાં આત્મહત્યા અંગે જાગૃતિ આવે અને તેના બનાવો અટકાવી શકાય તે અત્યંત જરૂરી છે.
  • માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનો માં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે. સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે.
  • સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય.
  • બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે, જેથી અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી ના મળે, તો તે વ્યક્તિ પોતાનો નાનકડો વ્યવસાય કરી શકે, સ્ત્રીઓમાં થતી આત્મહત્યાના નિવારણ ના પગલાઓ માટે જે કાયદાઓ બન્યા છે તેનું વધુ કડકાઈથી પાલન થવું જરૂરી છે. તે ઉપરાંત સ્ત્રીનું સમ્માન ના ઘવાય, શારીરિક-માનસિક-જાતીય શોષણ ના થાય તેમજ દહેજપ્રથાને નાબુદ કરીને સ્ત્રીરક્ષણ કરી શકાય, રેપના માટે આરોપી પ્રત્યે કડક સજા આવા અનેક પગલાઓ સરકાર દ્વારા થાય તે જરૂરી છે.

આમ, આત્મહત્યા ની અટકાયત માટે સમાજમાં જાગૃતિ અને કુટુંબીજનો નો ફાળોએ ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે.

© GIPS Hospital. All Rights Reserved. Designed by PlusOneHMS