મોબાઈલ વળગણ : આર્શીવાદ કે અભિશાપ

આપણે બધા ટેકનોલોજી અને ડીજીટલ યુગમાં જીવીએ છીએ. મોબાઈલ એ આપણા જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. અત્યારનાં વધતાં ઓનલાઈન કોમ્યુનીકેશને આપણા લોકોના જીવનનાં બધા ક્ષેત્રોને બહુજ અસર કર્યું છે.

મોબાઈલનું વળગણ એ ઘણા સમયથી ચાલતું આવ્યું છે. ભુતકાળમાં તેના ઉપર ઘણાં બધાં સંશોધનો અને અભ્યાસો પણ થયેલાં છે. પણ કોરોનાકાળ દરમ્યાન લોકડાઉનના સમય પછી આ વળગણ દિવસેને દિવસે વધતું ગયું છે. કોરોના કાળમાં બાળકોનાં અભ્યાસનાં વર્ગો પણ ઓનલાઈન મોબાઈલ દ્વારા લેવાતા હતાં. આ ઉપરાંત બાળકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. તેથી બાળકો મોબાઈલ તરફ વધારે પડતાં આકર્ષિત થયા હતા. આપણે બધાં લોકોને પણ લોકડાઉનનાં કારણે વર્ક ફ્રોમ હોમ કરવાની ફરજ પડી હતી ત્યારે આપણી પાસે વધારે સમયની બચત થતી હતી તેથી આપણે લોકો પણ મોબાઈલ ઉપર વધારે સમય પસાર કરતા હતા.

દરેક ટેકનોલોજીના સકારાત્મક અને નકારાત્મક બંને પાસા હોય છે. જેમકે અત્યારે નાણાંકીય વ્યવહાર મોબાઈલથી સરળ બન્યો છે. ગુગલપે, ફોનપે પેટીએમ દ્વારા નાણાં વ્યવહાર ઝડપી બની ગયો છે. અત્યારે કોઈપણ ક્ષેત્રની જાણકારી મેળવવી ખૂબજ સરળ બની ગઈ છે. ઘણાં લોકો માટે મોબાઈલ આજીવિકાનું સાધન પણ છે. ઘણી ગૃહિણીઓ અને નિવૃત્ત માણસો ઘરેબેઠા મોબાઈલ ઉપર કામ કરીને પૈસા મેળવે છે અને તેઓ ઈન્ડીપેન્ડન્ટ બન્યાં છે.

મોબાઈલ ફોનનો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો બાળવિકાસમાં પણ ઉપયોગી થાય છે. બાળકની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થાય છે. નવું નવું જાણવાની અને જોવાની તક મળે છે. તેની માહિતીનું જગત વ્યાપક બને છે. ફોટો શોપમાં જઈને ચિત્રો દોરવા, રંગ પૂરવા કે અન્ય રીતે ઉપયોગકરીને સર્જનાત્મકતાને ખીલવી શકાય છે. વાર્તાઓ જોઈ અને સાંભળી શકાય છે. મોબાઈલમાં વિડીયો ફોન દ્વારા રૂબરૂ મળી સામાજિક સંબંધોનો વિકાસ કરી શકાય છે.

કોઈપણ ટેકનોલોજી કે વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવો, તે વસ્તુની ટેવ પાડવી કે તેના બંધાણી થી જવું તેને એડીક્શન (વ્યસન) કહી શકાય. મોબાઈલના વધારે પડતાં ઉપયોગને મોબાઈલ એડીક્શન હી શકાય.

1-2 વર્ષના નાના બાળકોને પણ મોબાઈલનો ઉપયોગ કરતાં આવડી જાય છે. માતા-પિતા પણ પોતાનાં કાર્યમાં વ્યસત હોવાને લીધે નાના બાળકોને મોબાઈલ જોવા આપી દેતા હોય છે. જાણે-અજાણે બાળપણ થી જ આપણે બાળકોને મોબાઈલનું વળગણ કરાવીએ છીએ. જમતી વખતે બાળકો મોબાઈલ ઉપર છોટાભીમ, મોટુ-પતલું, ડોરેમોન જેવા કાર્ટુનો જોવાનાં આદી થઈ ગયા છે. યુવાનો અને કોલેજિયનોમાં શોર્ટ વીડિયો અને રીલ્સ બનાવવાનું વલણ વધી રહ્યું છે. આપણે બધા પણ સોશિયલ નેટવર્કીગ સાઈટસ જેવી કે વ્હોટસેપ, ફેસબૂક, ટ્વીટર, યુ ટ્યુબ, ઈન્સ્ટ્રાગ્રામ પર વધારે સક્રિય બન્યા છીએ. તેમાં આવતાં નવાં નવાં ફીચર્સ આપણે લોકોને વધારે આકર્ષિત કર્યા છે. બાળકો અને યુવાનોમાં મોબાઈલ પર ઓન લાઈન ગેમીંગ અને બેટીગ રમવાનું વલણ વધી ગયું છે. જેના કારણે તેઓ હેકર્સ જેવા અસામાજિક તત્વોના સંપર્કમાં આવી મુશ્કેલીમાં પડે છે. મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી સાઈબર ક્રાઈમની શક્યતા પણ વધી ગઈ છે. મોબાઈલ દ્વારા ઓનલાઈન સેક્સ અને પોર્નવિડીઓ જોવાનું સરળ બની ગયું છે. આવી ઓનલાઈન વિડીઓ જોવાથી આજની યુવાપેઢીઓ ગેરમાર્ગે દોરાઈ રહી છે. મોબાઈલ દ્વારા ઘણીબધી ડેટીંગ સાઈટ્સ ઉપર ફ્રી એકાઉન્ટ ખોલવાની સગવડના લીધે આજના યુવાવર્ગ કોલેજિયનો, બાળકો અને મોટી વ્યક્તિઓ પણ આવી ડેટીંગ સાઈટ્સનો ઉપયોગ કરીને સેકસ્યુલ એક્ટીવીટી નાં ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છે. જેનાં કારણે પતિ-પત્ની વચ્ચે ઘર્ષણ, લગ્ન બહારના સંબંધો, છુટાછેડાનું પ્રમાણ, લગ્ન પહેલા સેક્સનું પ્રમાણ, શોર્ટટર્મ રીલેશનશીપ, સંબંધોમાં ઉષ્માનો અભાવ આ બધી બાબતો જોવા મળે છે.

તેવી જ રીતે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આપણને બેઠાળુ અને મેદસ્વી બનાવે છે. શારીરિક રીતે નબળાં, આળસુ અને સુસ્ત બનાવે છે. મોબાઈલનાં કારણે આપણે સ્વની દુનિયામાં મગ્ન થઈ જઈએ છીએ અને આપણા સામાજિક સંબંધોનો યોગ્ય વિકાસ થતો નથી. બીજા ઘણી અસરોમાં તણાવ, ચિંતા, અનિંદ્રા , એકલતાપણું , માથામાંદુખાવો , આંખોમાં નુકશાન, શારીરિક દુખાવા, મસલ્સની સમસ્યાઓ વગેરે જોવા મળી છે. બાળકોમાં પણ આઉટડોર રમતો નાં બદલે મોબાઈલમાં રમત રમતાનું વલણ વધ્યું છે. આઉટડોર રમતોથી બાળકનાં શારીરિક, બૌધ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક અને આવેગાત્મક વિકાસ થાય છે. હવે મોબાઈલનાં ઉપયોગથી બાળકોના આ વિકાસ રૂધાંઈ ગયા છે.

આમ મોબાઈલના કારણે વ્યક્તિનાં શારીરિક, માનસિક, વ્યાવસાયિક, વ્યક્તિગત, સામાજિક બધા જ ક્ષેત્રોમાં તણાવ ઉભો કર્યો છે.

માતા-પિતા અને શિક્ષકોએ આ બધી બાબતો ધ્યાનમાં રાખી બાળકને મોબાઈલનાં ઉપયોગ કરવાની છૂટ સમય મર્યાદા સાથે જ આપવી જોઈએ. તે મોબાઈલમાં ક્યા પ્રકારની વસ્તુ જુએ છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. બાળક રમકડાં અને રમતો પણ રમે તેવો આગ્રહ રાખવો જોઈએ. બાળકો સાથે રમવું જોઈએ. મોબાઈલ ઉપર સમય પસાર ન કરતાં કુટુંબના સભ્યોને સમય આપવો જોઈએ. વીકએન્ડમાં ફેમીલી સાથે ફરવા જવાનાં પ્લાન બનાવો. સગા સંબંધી પાડોશીઓના સંપર્કમાં રહી સામાજિક અને વ્યક્તિગત સંબંધોને મજબૂત બનાવો. આમ ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરી જીવનને સફળ અને સરળ બનાવીએ.

© GIPS Hospital. All Rights Reserved. Designed by PlusOneHMS