માઇગ્રેન

માઈગ્રેન એ એક પ્રકારના માથાનો દુખાવો છે, પરંતુ માઈગ્રેન એ સામાન્ય માથાનો દુખાવો નથી અને તે નિયમિત પણ નથી હોતો, તે એક જટિલ ન્યૂરોલોજીકલ સ્થિતિ છે જે વ્યક્તિની જીવનશૈલીને નોંધપાત્ર રીતે અસર કરે છે. માઈગ્રેન (આધાશીશી) એ સામાન્ય રીતે માથાના એકજ બાજુએ તીવ્ર દુખાવાથી શરુ થાય છે જો કે કેટલાક લોકોને માથાના બંને ભાગમાં પણ દુખાવો થઇ શકે છે, આધાશીશી એ થોડા કલાકો થી લઈને કેટલાક દિવસ સુધી પણ ટકી શકે છે.

માઈગ્રેન કોઈપણ ધર્મ, જાતિ, વર્ગ અને ઉંમરની વ્યક્તિને થઇ શકે છે, સ્ત્રીઓ માં માઈગ્રેનનું પ્રમાણ વધારે જોવા મળે છે, બાળકોમાં પણ માઈગ્રેનના લક્ષણો જોવા મળી શકે છે માઈગ્રેનના લક્ષણો, કારણો અને ઉપચાર વિશે સમજવાથી તેની યોગ્ય રીતે અસરકારક સારવાર કરાવી શકાય છે.

માઈગ્રેન ના લક્ષણો
માઈગ્રેન સામાન્ય રીતે એક ખાસ પેટર્ન થી થાય છે પરંતુ એવું જરૂરી નથી કે દરેક દ ર્દીમાં આવી પેટર્ન હોવી જ જોઈએ.
માઈગ્રેન ની પેટર્નના ૪ ફ્રેઝ હોય છે.

 1. પ્રોડ્રોમ ફ્રેઝ (Prodrome Phase)
  આ ફ્રેઝ માથાનો દુખાવો શરુ થાય તેના ૨૪ થી ૪૮ કલાક પહેલા શરુ થાય છે. જેમાં થાક લાગે, અશક્તિ લાગે, બેચેની લાગવી, બગાસા આવવા, અસામાન્ય ઊંઘ આવવી, ગરદનમાં જકડન મહેસુસ થવી, અસામાન્ય ભૂખ-તરસ લાગવી જેવા લક્ષણો નો અનુભવ થાય છે.
 2. ઓરા ફ્રેઝ (Aura Phase)
  આ ફ્રેઝ માથાનો દુખાવો શરુ થાય તેના ૧ થી ૨ કલાક પહેલા શરુ થાય છે, જેમાં આંખે ઝાંખું દેખાવું, પેટ ફૂલવું, ચક્કર આવવા, ભ્રમિત થઇ જવું, માથું ભારે લાગવું જેવા લક્ષણોનો અનુભવ થાય છે.
 3. માથાના દુખાવાનો ફ્રેઝ (Headche Phase)
  આ ફ્રેઝમાં દર્દીને મધ્યમ થી લઇને તીવ્ર ધબકારા-લબકારા સાથે માથાનો દુખાવો થાય છે. વ્યક્તિને એવું લાગે છે કે હમણાં માથું ફાટી જશે કે દીવાલ સાથે માથું પછાડી દઉં એવા તીવ્ર દુખાવાનો અનુભવ થાય છે. તે માથાની એક કે બંને બાજુ હોઈ શકે છે. આ માથાનો દુખાવો ૪ થી ૭૨ કલાક સુધી રહે છે. આ માથાના દુખાવાની સાથે દર્દીને ઉબકા-ઉલ્ટી જેવું થાય, ચક્કર આવે, અવાજ-પ્રકાશ-ગંધ સહન ના થાય, ગભરાહટ બેચેની નો અનુભવ થાય, કામકાજ માં ધ્યાન ના લાગે, ચીડિયાપણું-ગુસ્સો આવે જેવા લક્ષણો પણ જોવા મળે છે.
 4. પોસ્ટડ્રોમ ફ્રેઝ (Post Drome Phase)
  આ ફ્રેઝમાં માથાનો દુખાવો ધીરે ધીરે ઓછો થતો જાય છે પણ દર્દી સુસ્તી અને થાકનો અનુભવ કરતો હોય છે.

ટ્રીગર્સ (Triggers)
વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે માઇગ્રેન ના દર્દીનું મગજ સામાન્ય લોકો કરતા વધારે સંવેદનશીલ હોય છે, જેથી સામાન્ય વ્યક્તિને તકલીફ ના આપનારા કારણો/ટ્રીગર્સ એ માઇગ્રેન ના દર્દી માટે માથાનો દુખાવો શરુ થવાનું કારણ બની શકે છે. આવા ટ્રીગર્સ ને કારણે મગજના રસાયણોમાં ફેરફાર થાય છે, આ મગજના કેમિકલના ફેરફારને લીધે મગજને લોહી પહોંચાડતી નસો ફૂલવા અને સંકોચાવા માંડે છે, જેના પરિણામે માઇગ્રેન નો માથાનો દુખાવો થાય છે. દરેક માઈગ્રેનના દર્દીઓ માટે ટ્રીગર્સ અલગ અલગ હોય છે, અને આવા ટ્રીગર્સ એ સમયની સાથે સાથે બદલાતા પણ હોય છે

 • વધારે પડતી લાઈટ, વધારે પડતો અવાજ કે તીવ્ર ગંધ
 • હવાનું પ્રદુષણ, વાતાવરણમાં બદલાવ
 • માનસિક તણાવ, સ્ટ્રેસ, ટેન્શન, ચિંતા
 • વધારે પડતો શારીરિક થાક
 • હોર્મોનમાં થતા ફેરફારો
 • અમુક પ્રકારની દવાઓનો ઉપયોગ
 • ઉપવાસની આદતો, ભોજનની અનિયમિતતા, ઊંઘની અનિયમિતતા
 • વ્યસન (આલ્કોહોલ, સ્મોકિંગ, તમાકુ, ગુટખા કે કેફીનવાળા પીણાં)
 • અમુક ખાદ્ય પદાર્થ (ચીઝ, ચોકલેટ, ઈડલી, ઢોસા, ઇદડા, ખમણ જેવા આથાવાળો ખોરાક, ચાઈનીઝ ફૂડ, પ્રીઝર્વેટીવ ફૂડ વગેરે બાબતો) પણ અસર કરે છે

માઇગ્રેન ને પહોંચી વળવા માટે દર્દીએ જાતે જ પોતાના ડીટેકટીવ બનવું જરૂરી છે. આ માટે દર્દીએ પોતાના માથાના દુખાવાની સંખ્યા, તીવ્રતા, માત્રા તેમજ દુખાવા સિવાયના બીજા લક્ષણો પર ધ્યાન રાખવું પડે, જે દર્દીની સારવાર પ્લાન કરવામાં અગત્યનો ફાળો ભજવે છે. આ ઉપરાંત દર્દી સેલ્ફ ડાયરી બનાવી શકે છે જેના પરથી માઈગ્રેન માટેના ટ્રીગર્સ પણ જાણી શકાય છે. જેના પરથી વ્યક્તિએ પોતાના જીવનમાં કે જીવનશૈલીમાં શું ફેરફાર લાવવો છે તે જાણી શકાય છે.

માઈગ્રેન ની સારવાર
માઈગ્રેન ની સારવાર મુખ્ય બે રીતે થાય છે.

 1. અબોટીવ ટ્રીટમેન્ટ (Abortive Treatment)
  એટલે જયારે માઈગ્રેન નો દુખાવો શરુ થાય ત્યારે તેમાં આપી શકાય એવી પેનકીલર અને અન્ય દવાઓ આપી શકાય. પરંતુ આવી પેનકીલર દવાઓ ડોક્ટરની સલાહ મુજબ લેવી જ હિતાવહ છે.
 2. પ્રતીરોધક ટ્રીટમેન્ટ (Prophylactic Treatment)
  એટલે કે માઈગ્રેનનો દુખાવો આવતો અટકે (માઈગ્રેન ના માથાના દુખાવાની સંખ્યા,માત્રા,તીવ્રતા ઘટે) એવી દવાઓ નિયમિત રીતે ચાલુ કરાવવી જોઈએ, આ દવાઓ ૬-૧૨ મહિના સુધી નિયમિત લેવી પડે છે, જે દરમિયાન માથાનો દુખાવો એકદમ ઓછો થઇ જાય છે તો તેવી દવાઓ ધીરે ધીરે બંધ કરી દેવામાં આવે છે, અમુક દર્દીઓના કેસ માં આવી દવાઓ ઘણા લાંબા સમય સુધી પણ ચાલુ રાખવી પડતી હોય છે.

આ બધી દવાઓની સાથે દર્દીએ પણ પોતાના ટ્રીગર્સ પર પણ કામ કરવું પડે છે. જો દર્દી ટ્રીગર્સ ને ટાળશે તો એના માથાના દુખાવાની સંખ્યા, માત્રા અને તીવ્રતા પણ ઓછી થઇ શકે છે. અને તેના માઈગ્રેન પર કાબુ મેળવી શકે છે.

© GIPS Hospital. All Rights Reserved. Designed by PlusOneHMS