માનસિક રોગની દવાઓ અંગેની ગેરમાન્યતા અને હકીકત

આપણા સમાજમાં માનસિક રોગો અંગેની ગેરમાન્યતાની સાથેસાથે આ રોગો માટે આપવામાં આવતી દવાઓ અંગેપણ ઘણીબધી ગેરમાન્યતાઓ જોવા મળે છે. આવી જ ગેરમાન્યતાઓ અને હકીકતો વિશે અહીયા ચર્ચા કરીએ.

  • ગેરમાન્યતા: માનસિક રોગ માટે લેવામાં આવતી દવાઓની આદત પડી જાય છે .
    હકીકત: માનસિક બીમારીમાં વપરાતી દવાઓને સાઈક્રિયાટ્રીસ્ટની દેખરેખ હેઠળ યોગ્ય રીતે આપવામાં આવે ત્યારે દવાઓની આદત પડતી હોતી નથી, ઘણીવાર દર્દીઓ કોઈપણ પ્રકારની સમજ વગર અમૂક દવાઓ સાઈક્રિયાટ્રીસ્ટની સલાહ વગરપણચાલુ રાખે છે, જે હાનિકારક નીવડે છે. મોટાભાગની દવાની આદત પડી શકે એમ છે જ નહી,માત્ર ઊંઘની દવા જો ડોક્ટરની સલાહ વગર જાતે ચાલુ રાખેતો હાનિકારક નીવડે છે. ઘણીવાર દર્દીઓ સારુ લાગવા માંડે તો દવા અચાનક બંધ કરી દે છે, જેના કારણે દર્દીને દવાના Discontinuation Symptoms આવે છે જેને દર્દી એવુ માની બેસે છેકે તેને દવાની આદત પડી ગઈ છે,અથવા તો અમૂક કિસ્સામાં દવાઓ બંધ થયા બાદ બીમારીના લક્ષણો પાછા જોવા મળે છે, જેનો તાત્કાલિક ઈલાજ કરવો જરૂરી બની જાય છે, જેથી પણ દર્દીને એવું લાગે છે કે, દવાઓની આદત પડી ગઈ છે.
  • ગેરમાન્યતા:આ દવાઓ લાંબા સમય માટે લેવાથી શરીરના વિવિધ અંગો જેવાકે કિડની, લીવર, મગજ, હ્રદય વગેરને નુકશાન થાય છે તેથીદવાઓ લાંબો સમય નાં લેવી જોઈએ.
    હકીકત:આ દવાઓ સાઈક્રિયાટ્રીસ્ટની દેખરેખ હેઠળ લેવી જરૂરી છે. જેથી કોઈપણ આડઅસર થાય તો તેનું નિદાન કરી શકાય, તેમજ બીજી બીમારીઓની જેમ જ તેમાં પણ લેબોરેટરી ટેસ્ટ સમયાંતરે કરાવતા રહેવું જરૂરી છે,અમૂક દવાઓ જેવીકે લીથીયમ, વાલ્પ્રોએટ , ક્લોઝાપીન વગેરે દવાઓમાં સમયાંતરે અમૂક તપાસ કરાવવી પડતી હોય છે. જો જરૂર જણાય ત્યારે તમારા સાઈક્રિયાટ્રીસ્ટ સાથે આના વિશે ચર્ચા કરવી, દવાઓમાં ગેપ પાડવાથી કે બંધ કરી દેવાથી બીમારીનો ફરીથી ઊથલો થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.
  • ગેરમાન્યતા: માનસિક રોગની દવાઓની આડઅસર ઘણી જોવા મળે છે.
    હકીકત:દરેક વ્યક્તિને દવાની આડઅસર આવે જ એવું જરૂરી નથી હોતું, સાઇડ ઇફેક્ટ્સ બધા દર્દીમાં થાય એમ જરૂરી નથી જ્યારે દવા માર્કેટમાં આવે છે ત્યારે તે નક્કી હોય છે કે તેની આડઅસર ની શક્યતા ઘણીજ ઓછી હોય છે. ઘણીવાર આ દવાઓની અમૂક સાઇડઇફેક્ટ્સ જેવીકે ઊંઘ આવવી, એસીડીટી, સુસ્તી લાગવી, કબજિયાત, ઉબકા-ઉલટી, ઘેન વગેરે શરૂઆતના 2-3 અઠવાડિયા દરમિયાન જોવા મળે છે જે સમય જતા આપમેળે જ સારા થઈ જાય છે.દવાઓની અમૂક સાઇડઇફ્ફેક્ટ્સ જેવીકે વજનમાં વધારો, સેક્સની તકલીફ, ધ્રુજારી વગેરે લાંબા ગાળે જોવા મળે છે જેને સાઈક્રિયાટ્રીસ્ટ સાથે ચર્ચા કરવાથી અને દવા બદલવાથી આ સાઇડઇફ્ફેક્ટ્સ બંધ કરી શકાય છે.
  • ગેરમાન્યતા: મારે માત્ર ખરાબ દિવસો કે ચિંતા-ઉદાસીનતા લાગે ત્યારે જ દવા લેવી જોઈએ, રોજ દવા લેવાની જરૂર નથી.
    હકીકત: માનસિક બીમારીની દવાની અસર ઓછામાં ઓછા 3-4 અઠવાડિયા પછી જ શરૂ થાય છે, તેથી દવા નિયમિત રીતે, સમયસર સાઈક્રિયાટ્રીસ્ટની સલાહ મુજબજ લેવી. દવાઓમાં ગેપ પાડવાથી દવાઓની પૂરતી અસર દેખાતી નથી દર્દીએ કે સ્વજનોએ જાતે જાતે દવાનાં ડોઝમાં ફેરફાર કરવો નહીં કે બંધ કરવી નહી, જરૂર જણાય તો તમારા સાઈક્રિયાટ્રીસ્ટ સાથે ખુલ્લા મને ચર્ચા કરવાથી દવા વિશેની ગેરસમજો દૂર કરી શકાયછે, જેમકે બેન્જોડાયજેપીન્સ કે ક્લોનાજેપામ એવી દવા છે કે, જે અચાનક પેનિક એટકનો હુમલો આવે તેમાં તાત્કાલિક રાહત આપી શકે પણ તેના વ્યવસ્થિત ઇલાજ માટે નિયમિતપણે દવાઓ જ લેવી પડે.
  • ગેરમાન્યતા: માનસિક બીમારીઓમાં દવાઓ લીધા સિવાય બીજું કઈ જ કરવાનું હોતું નથી, માત્ર દવા જ એકમાત્ર ઇલાજ છે. આ દવાઓ મારી બધીજ મુશ્કેલી/તકલીફો દૂર કરી નાખશે.
    હકીકત:જેમ ડાયાબિટીસની બીમારીમાં ડોક્ટર દવા લખી આપે છે, પણ પરેજી તો દર્દીએ પાળવી જ પડે છે તેમજ માનસિક બીમારીમાં પણ દવા ઘણો અગત્યનો ભાગ ભજવે છે, પણ સાથે સાથે માનસિક બીમારી વિશેની સાચી સમજ, કસરત, વ્યાયામ, પ્રાણાયામ, નિયમિત જીવનશૈલી, વ્યસન મુકત જીવન, નિયમિત સમયસરની 7-8 કલાકની ઊંઘ, પ્રોબ્લેમ સોલ્વીંગ એટીટયૂડ , જીવન તરફ હકારાત્મક અભિગમ, કાઉન્સીલીંગ, સાઈકોથેરાપી, સ્વજનો અને મિત્રો સાથે સંપર્ક, અમૂક સમયાંતરે રૂટીન કામકાજમાથી બ્રેક વગેરે પણ દર્દીને જલ્દી નોર્મલ કરવા માટે એટલા જ અગત્યના પરિબળ છે.
  • ગેરમાન્યતા:દવાઓ લીધા પછી તરતજ સુધારો મને જણાવો જોઈએ.
    હકીકત: માનસિક રોગોની દવાઓની સારી અસર ચાલુ થતા 3-4 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. આથી ધીરજ રાખવી જોઈએ. અમૂક કિસ્સાઓમાં દવાઓની સારી અસર 4 અઠવાડિયા પછી પણ દેખાતી નથી, તો તેવા કેસમાં દવા બદલવાની કે અમૂક બીજી દવાઓ ઉમેરવાની જરૂર પડે છે, તેથીઆવી દવાઓ ચાલુ કર્યા પછી તરતજ દર્દીના વર્તન કે બીમારીમાં સુધારો જણાતો નથી.
  • ગેરમાન્યતા: માનસિક રોગની દવા નિયમિત લઈએ ત્યાં સુધી સારું રહે પણ દવા બંધ કર્યાના 1-2 દિવસમાં તકલીફ ચાલુ થઈ જાય છે,આ દવાઓ મારે જીંદગીભર ખાવી પડશે, શું આ દવાઓની મને આદત પડી ગઈ છે ?
    હકીકત: દવાઓ અચાનક બંધ કરી દેવાથી discontinuation symptoms દેખાવા લાગેછે, આથી આ દવાઓને સાઈક્રિયાટ્રીસ્ટની સલાહ મુજબ ધીમેધીમે બંધ કરવી જોઈએ, આ રીતે દવા બંધ કરવાથી આવા લક્ષણો આવતા નથી, માનસિક બીમારીના લક્ષણોમાં સુધારો આવ્યા બાદ પણ આ દવાઓ અમૂક સમય સુધી ચાલુ રાખીને ધીમેધીમે જ બંધ કરવી પડે છે. બીમારી જેટલી જૂની તેની દવા પણ એટલીજ વધારે લાંબી ચાલે, અમુક ગંભીર બીમારીઓ જેવી કે સ્કીજોફ્રેનિયા , બાયપોલર મૂડ ડિસઓર્ડર, રેજિસટન્ટ ડિપ્રેશનમાં દવાઓ લાંબો સમય પણ ચાલી શકે છે.
  • ગેરમાન્યતા:માનસિકરોગની દવાઓ લેવાથી માસિક બંધ થઈ જાય છે.
    હકીકત:માનસિકરોગોની ફક્ત થોડી દવાઓ એવી હોય છેજે માસિક ને અસર કરેછે અથવા કોઈ દર્દીને માસિક બંધ થઈ જાય છે, પરંતુ બધી દવા માસિક ને અસર કરતી નથી, અને જો દવાથી માસિક બંધ થઈ જાયતો તે દવાની સાથે બીજી અમુક દવાઓ આપીએ તો તેનાથી માસિક નિયમિત ચાલુ પણ થઈ જતુ હોય છે એટ્લે દરેક દવાથી માસિક બંધ થઈ જાય છે એ માન્યતા તદન ખોટી છે.
    અહિયાં આપણે માનસિકરોગોની દવાઓને લઈને દર્દીમાં અને સમાજનાં લોકોમાં રહેલી ગેરમાન્યતા અને હકીકતોની ચર્ચા કરી, તો દર્દીને સમજાવી તેમનામાં દવા અંગે રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી તેઓને યોગ્ય સાઈક્રિયાટ્રી સારવાર કરાવવા માટે પ્રોત્સાહિત કરીએ.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS