EUSTRESS

આધુનિક સમયમાં મનોભાર ( સ્ટ્રેસ ) નું પ્રમાણ વધુ જોવા મળેછે. આજે બાળક થી માંડીને યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ મનોભારની અસર જોવા મળે છે.માનવીના વિવિધ અવસ્થાઓ તેમજ વિવિધ ઉમરનાં લોકોમાં મનોભારનાં પ્રસંગો જોવા મળે છે. માનોભાર વગરની વ્યક્તિ મળવી મુશ્કેલ છે. શારીરિક અને માનસિક આરોગ્ય પર મનોભારની અસરો જોવા મળે છે. માનવીની ઈચ્છાઓ અનંત છે. ધારેલા લક્ષ્યો , ધારેલા સમયમાં અને ધારેલી રીતે પાર પડતા નથી, ઈચ્છાઓની પૂર્તિમાં રૂકાવટ અને વિધ્નો આવતાં જ રહે છે. જરૂરિયાતની પ્રાપ્તિમાં થતો વિલંબ , નિષ્ફળતાઓ, અપર્યાપ્તા, નુક્શાન, માંદગી અને વિવિધ જવાબદારીઓને લીધે માનવીને જે અનુભવ થાય છે તેને મનોવિજ્ઞાન માં મનોભાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મુશ્કેલીનો યોગ્ય ઉકેલ મળે નહીં ત્યારે જે માનસિક અવસ્થા ઉદભવે છે તેને મનોભાર કહેવાય

મનોભાર વિવિધ બાબતોને લીધે જન્મે છે. નાના-નાના પ્રસંગો પણ મનોભાર જન્માવે છે, જેમકે પરીક્ષા નજીક આવતા વાંચેલુ યાદ ન રહે, નોકરીમાં ઠપકો મળે, પતિ અપમાન કરે, બાળક કહેલુ ના કરે, એકાએક પ્રેટોલના ભાવ વધી જાય, ટ્રાફિક માં ફસાઈ જઈએ, મહિનાના છેલ્લી તારીખમાં અણધાર્યા ખર્ચ કે મહેમાનોનું આગમન, પાડોશી સાથે ઝઘડો, સ્ત્રીઓની કુટુંબ અને નોકરી વચ્ચેની ભૂમિકાને લીધે, સહકર્મચારી સાથે ઘર્ષણ, બોસ દ્વારા ઠપકો, ઘર છોડીને હોસ્ટેલ માં રહેવું વગેરે જેવી ઘણીબાબતો વ્યક્તિમાં મનોભાર જન્માવે છે.

હળવો મનોભાર થોડીક તાણ જન્માવે છે તેમજ શારીરિક સમતુલા ખોરવી નાખે છે. સમાયોજન મેળવવામાં થોડી મુશ્કેલી પડે છે, પરંતુ તેમાં બહુ મોટી મુશ્કેલી પડતી નથી.જ્યારે તીવ્ર મનોભાર હોય ત્યારે સમાયોજન મેળવવામાં મુશ્કેલી પડે છે. આપણે વધારે પ્રમાણમાં તાણ અનુભવીએ છીએ. શારીરિક સમતુલા ખોરવાઈ જાય છે. ચેતાતંત્રોની સમાયોજન શક્તિઓ નબળી પડે છે. શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. ચિંતા, ડિપ્રેશન અને અન્ય મનોવિકૃતિઓનો ભોગ બને છે. તો કેટલીક વાર બ્લડપ્રેશર, હ્રદયરોગ , ડાયાબીટીશ વગેરે જેવા રોગો થવામાં પણ અગત્યનું પરિબળ બને છે..

જો કે મનોભારની લાગણી અને તેનાથી થતી અસરોમાં પણ વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. જેમ કે ભીડમાં કોઈ અથડાય તો શાંત રેહનારા લોકો પણ હોય છે.અને તરત ગુસ્સે થઈ જનારા લોકો પણ હોય છે, શાંત રહેનાર વ્યક્તિમાં મનોભાર ઉદ્દભવતો નથી, પણ ગુસ્સે થનાર વ્યક્તિમાં મનોભાર ઉદ્દભવે છે. તરુણાવસ્થામાં મનોભારનાં કારણો અલગ-અલગ હોય છે. પરંતુ જેમ-જેમ ઉમર વધતી જાય તેમ મનોભારની તીવ્રતા ઓછી જન્મે છે. માનવી જેમ પરિસ્થિતીને અનુરૂપ થતા શીખે છે, તેમ તેને મનોભારની અસર ઓછી લાગે છે.

મનોભાર હમેશાં નકારાત્મક અસરો જન્માવનાર હોતા નથી. સામાન્ય માન્યતા એવી છે કે મનોભારની અસરો શારીરિક અને માનસિક રીતે નુકશાનકારક હોય છે, પરંતુ મનોવૈજ્ઞાનિકો માને છે કે, મનોભાર આશીર્વાદરૂપ પણ નીવડે છે. પોજીટિવ મનોવિજ્ઞાનમાં મનોભારની હકારાત્મક અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.મનોભારનાં હકારાત્મક પરિણામો પણ જોવા મળે છે. જેમકે, પરિક્ષા દરમિયાન મનોભાર હોય જ નહી તો આપણે પરિક્ષા ને ગંભીરતા થી લેતા નથી અને વાંચન માં પણ બરાબર ધ્યાન આપતા નથી, તેની સીધી અસર પરિક્ષાનાં પરિણામ પર પડે છે, પણ જો પરિક્ષા દરમિયાન આપણે થોડો મનોભાર લઈએ તો આપણે વાંચન ઉપર વધારે ભાર મુકીએ છીએ અને પરિક્ષા ને પણ ગંભીરતાથી લઈએ છીએ, જેની સીધી હકારાત્મક અસર પરિક્ષા નાં પરિણામ ઉપર જોવા મળે છે. આમ, હકારાત્મક મનોભાર એ કાર્ય ને પુરુ કરવા અને કાર્યનાં સારાં પરિણામ મેળવવા માં મદદરૂપ થાય છે. તેનાથી આપણે આપણી જાત વિશેની નવીન સમજણ પ્રાપ્ત કરીએ છીએ. આપણી કાર્યક્ષમતા અને કૌશલ્યોમાં તે વધારો કરે છે. સમસ્યાનાં ઉકેલ માટે નવીન દ્રષ્ટિબિંદુ નો વિકાસ તેને લીધે થાય છે.વાસ્તવિક ધ્યેયો અને અપેક્ષાઓનો વિકાસ કરવામાં મનોભાર મદદરૂપ થાય છે. મનોભાર નાં લીધે હતાશા સહન કરવાની શક્તિ વધે છે. સંઘર્ષો નો સામનો કરવાની શક્તિ આવે છે, ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ મળે છે. વ્યક્તિમાં આત્મવિશ્વાસ નો વધારો થાય છે.

તો ચાલો, આપણે મનોભારની અસર નો હકારાત્મક પાસામાં પરવર્તીત કરીને મનોભારની અસરને હળવી બનાવીએ. મનોભાર વગરનું જીવન શક્ય નથી તો તેને હકારાત્મક લઈ મનોભાર સાથે જીવતા શીખીએ.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS