માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો

માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિની એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિના વ્યક્તિત્વના બધાજ પાસાઓનું સંતોલન (બેલેન્સ) વ્યક્તિ યોગ્ય રીતે કરી શકે છે. માનસિક સ્વાસ્થ્ય નો એક અર્થ એ પણ ગણી શકાય કે વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં ભાવનાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને આદર્શો માં સંતુલન કરવાની યોગ્યતા ધરાવે છે, માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ જીવનની વાસ્તવિકતાઓ અને તેમનો સામનો કરવાનો અને તેનો સ્વીકાર કરવાની યોગ્યતા ધરાવે છે.

અહીંયા આપણે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો વિશે ચર્ચા કરીએ.

1. આત્મમૂલ્યાંકન:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાનું આત્મમૂલ્યાંકન કરી શકે છે. તે પોતાના વિષયમાં પુરી રીતે જાગૃત હોય છે,તેને પોતાના દોષો અને ગુણો વિશે પૂરતો ખ્યાલ હોય છે અને તે અંગે તે મૂલ્યાંકન પણ કરતો હોય છે. મૂલ્યાંકન કરવાના લીધે વ્યક્તિને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન હોય છે તેથી તે પોતાની યોગ્યતાને યોગ્ય રીતે દિશા આપી શકે છે .

2. સમાયોજનશીલતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ કોઈપણ પરિસ્થિતિ સાથે યોગ્ય રીતે સમાયોજન સાધી શકે છે. આવી વ્યક્તિ એ જીવનની કઠીન પરિસ્થિતિઓથી નાસીપાસ થવાને બદલે એ પરિસ્થિતીઓનો સામનો કરવાનું કે તેની સાથે સમાધાન કરવાનું શીખે છે અથવા તો તે પરિસ્થિતિ ના અનુસાર પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરે છે.

3. બૌદ્ધિક અને આવેગિક પરિપક્વતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ બોધાત્મક અને આવેગાત્મક રીતે પરિપક્વ હોય છે, બૌદ્ધિક અને આવેગિક રીતે પરિપક્વ વ્યક્તિ પોતાનો બૌદ્ધિક વિકાસ કરે છે અને તેના આવેગો ઉપર નિયંત્રણ રાખી શકે છે.

4. જીવનની નિયમિતતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ તેના જીવનના બધા કાર્યોમાં નિયમિતતા દાખવે છે, તેના જીવનમાં આવતા બધા નાના -મોટા કાર્યોએ નિયમિતતા દાખવીને કરે છે અને તે નિયમોનું તે કઠોરતાપૂર્વક નિયમિતપણે પાલન કરે છે.

5. વ્યવસાયિક સંતુષ્ટતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ તેના વ્યવસાયથી હંમેશા સંતુષ્ટ રહે છે. તે તેના કાર્યને પુરતું મન લગાવીને કરે છે અને પોતાની કાર્યક્ષમતા ને દિન પ્રતિદિન વધારીને સફળતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો રહે છે.

6. યથાર્થવાદી દ્રષ્ટિકોણ:
માનિસક રીતે સ્વસ્થ વ્યક્તિ એ પોતાના જીવન પ્રત્યે યથાર્થવાદી દ્રષ્ટિકોણ અપનાવતો હોય છે. આવી વ્યક્તિએ વાસ્તવિકતામાં જીવતો હોય છે તે કોરા સપનાઓ કે કલ્પનાઓમાં રાચતો નથી. તેની મહત્વાકાંક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે કોઈ વિરોધાભાસ જોવા મળતો નથી, તે પોતાની ક્ષમતાઓને સમજીને તેના અનુરૂપ કાર્ય કરતો હોય છે.

7. સામાજિક સમાયોજન:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિએ સામાજિક રીતે સમાયોજિત હોય છે. આવી વ્યક્તિ સમાજમાં વ્યક્તિઓના એકરૂપમાં પોતાનું મૂલ્યાંકન કરતો હોય છે, અને સમાજના જુદાજુદા વ્યક્તિઓ સાથે સમાયોજન સ્થાપિત કરે છે. સમાજના મોટાભાગના લોકો સાથે તેમના મિત્રતાપૂર્ણ સબંધો હોય છે.

8. લક્ષ્યો અંગે જ્ઞાન:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિને પોતાના જીવનના વિભિન્ન લક્ષ્યો અંગે પૂર્ણ જ્ઞાન હોય છે, અને એ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તે તેની યોગ્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયત્નો કરતો હોય છે, જેના કારણે તે સફળતાને પ્રાપ્ત કરે છે, અને તે સુખી અને સંતુષ્ટ જીવન જીવી શકે છે.

9. આત્મવિશ્વાસ:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિએ આત્મવિશ્વાસ થી સભર હોય છે. વધુ પડતો આત્મવિશ્વાસ કે બહુ ઓછો આત્મવિશ્વાસ ધરાવતો નથી તે પોતાના આત્મવિશ્વાસ અંગે સ્થિર હોય છે.

10. વ્યક્તિત્વ સંતુલન:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ પોતાના વ્યક્તિત્વના જુદાજુદા પાસાઓ વચ્ચે સંતુલન કરવાની યોગ્યતા ધરાવતો હોય છે.

અહીંયા આપણે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો અંગે ચર્ચા કરી આવા સ્વસ્થ લક્ષણોનો વિકાસ કરીને આપણે માનસિક રીતે સ્વસ્થ બનીએ અને સ્વસ્થ જગતનું નિર્માણ કરીએ.

© GIPS Hospital. All Rights Reserved. Designed by PlusOneHMS