આત્મહત્યા નાં કારણો

આત્મહત્યા કરવી કે તેનો પ્રયાસ કરવો એ ગંભીર સમસ્યા છે, આત્મહત્યાના પ્રયાસો અને બનાવો દુનિયાનાં દરેક દેશમાં ઓછે-વત્તે અંશે જોવા મળે છે, દરેક ધર્મ, જાતિ, વર્ગ અને ઉમરની વ્યક્તિમાં આત્મહત્યાનાં પ્રયાસો અને બનાવો બનતા હોય છે, આત્મહત્યાનું પ્રમાણ પહેલા ૩૫-૫૦ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધારે જોવા મળતું હતું પણ અત્યારના યુગમાં ૧૫-૨૯ વર્ષના તરુણો તેમજ યુવાનોમાં વધારે જોવા મળે છે.

સામાન્ય અંદાજ મુજબ આખા વિશ્વમાં દરવર્ષે ૮ લાખથી પણ વધારે લોકો આત્મહત્યા કરે છે ( WHO ,૨૦૨૩ ) અને ભારતમાં 1 Lakh 70 Thousand થી પણ વધારે લોકો આત્મહત્યા કરે છે (Statista 2022). WHO ના એક અભ્યાસમાં આખા વિશ્વમાં દર ૪૦ સેકન્ડે ૧ વ્યક્તિ આત્મહત્યા કરે છે. આત્મહત્યા થી થતા ઘણા મરણ ને કુદરતી મરણમાં ખપાવી દેવામાં આવે છે, આત્મહત્યા એ કુટુંબ અને સમાજ માટે કલંકરૂપ ગણાય છે. તેથી પોલીસના રેકોર્ડમાં નોંધાયેલા આત્મહત્યાના બનાવો કરતા પણ સાચો આંકડો ઘણો મોટો હોય શકે છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે, જો આત્મહત્યાના પ્રયાસો પર યોગ્ય ધ્યાન આપવામાં આવે તો આત્મહત્યાના બનાવો ચોક્કસપણે અટકાવી શકાય છે.

અહીંયા આપણે આત્મહત્યાના પ્રયાસો પાછળ રહેલા કારણોની ચર્ચા કરીએ.

1. માનસિક અને શારીરિક બીમારીઓ
આશરે ૮૦% આત્મહત્યાના ગંભીર બનાવો પાછળ માનસિક બીમારીઓ જવાબદાર હોય છે, દરેક બીમારીના કારણે આત્મહત્યા થાય તેવું નથી, પરંતુ ગંભીર માનસિક બીમારીઓ જેમકે ડિપ્રેશન, સ્કીજોફ્રેનીયા, વ્યસનો બાયપોલર મૂડ ડીસઓર્ડર, એડજસ્ટમેન્ટ ડીસઓર્ડર વગેરેમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે, ઉપરાંત માનસિક બીમારીઓ અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, તેની સારવાર લેવામાં અનુભવવાની શરમ અને સંકોચ વગેરે કારણે લોકો સારવાર લેવા તૈયાર હોતા નથી અથવા ઘણા સમય પછી લે છે કે અડધેથી સારવાર છોડી દે છે જેને કારણે માનસિક બીમારી ધરાવતા લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી જતું હોય છે.
કેટલીક શારીરિક બીમારીઓ જેવીકે કેન્સર ,ટીબી , AIDS , દમ જેમાં વ્યક્તિ લાંબાગાળાની બીમારી થી કંટાળી ને પણ આત્મહત્યા કરવા પ્રેરાય છે.

2. મનોવૈજ્ઞાનિક કારણો
ખાસ કરીને યુવાનોમાં અને તરુણોમાં મનોવૈજ્ઞાનિક પરિબળો આત્મહત્યામાં અગત્યનો ભાગ ભજવે છે,તેઓ માનિસક રીતે તેમજ લાગણીઓને નિયંત્રિત રાખવાના વિકાસની પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે પરિપક્વ થયા હોતા નથી. હોર્મોન અને વ્યક્તિત્વના ફેરફારો, વિચારોની અપરિપક્વતા, વિવિધ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની કોપિંગ સ્કીલસ નો અભાવ, જાતીય ફેરફારો અને આવેગો, મિત્રોનો વધતો જતો પ્રભાવ, પોતાની લાગણી, મુશ્કેલીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવાની આવડત ન હોવી,વધતો જતો મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ, ઘટતી જતી રમત-ગમત, વ્યાયામ ,કસરતો જેવી પ્રવૃતિઓ આવા અનેક પરિબળો યુવાનો-તરુણોને માનસિક રીતે અસ્વસ્થ કરે છે. આ ઉપરાંત વ્યક્તિની પર્સનાલિટીની ખાસિયતો, વિચારોની પરિપક્વતા અને સમસ્યાઉકેલ માટેનો ફ્લેકસીબલ એપ્રોચ નો અભાવ વગેરે જેવા પરિબળો પણ જવાબદાર છે,આ માટેનું યોગ્ય માર્ગદર્શન સમયસર ના લેવામાં આવે તો વ્યક્તિ આત્મહત્યા ના પ્રયાસ કરી શકે છે.

3. બાહ્ય કારણો
સામાજિક માહોલ, અભ્યાસલક્ષી અત્યંત તાણ, કૌટુબીક પરિબળો, વડીલો માતા- પિતા, શિક્ષકોનું અયોગ્ય વલણ, બાળકો પાસેથી વધતી જતી અપેક્ષાઓ, ભણતરની ઓછી તકો, અભ્યાસ બાદ નોકરીની ઓછી તકો,સામાજિક અસમાનતા, દેખાદેખી, અદેખાઈ, પ્રેમલગ્ન જેવા અનેક બાહ્ય પરિબળો તરુણો અને યુવાનોમાં અસહ્ય માનસિક તણાવ ઉભો કરે છે, જે છેવટે આત્મહત્યામાં પરિણમી શકે છે.
આ ઉપરાંત સમાજમાં સ્ત્રીઓમાં જોવા મળતા આત્મહત્યાના બનાવો માટે કૌટુમ્બીક વિખવાદ, શારીરિક -માનસિક સતામણી, જાતીય સતામણી, રેપના કિસ્સા, દહેજની માંગણી, શિક્ષણનું ઓછું પ્રમાણ, સ્ત્રીઓમાં આર્થિક સ્વ નિર્ભરતા ના હોવી, વિધવા સ્ત્રી માટે વધતી જતી આર્થિક સંકડામણ જેવા પરિબળો જવાબદાર છે. પુરુષોમાં નોકરી, ધંધામાં થતા નુકસાન, નોકરીની ઓછી તકો, આર્થિક સંકડામણ, વધતા જતા વ્યસનો, વધતું જતું દેવું, શેરબજાર આવા અનેક બાહ્ય પરિબળો આત્મહત્યા માટે કારણભૂત બને છે.
આવા અનેક માનસિક, શારીરિક, મનોવૈજ્ઞાનિક, કૌટુમ્બીક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિબળો વ્યક્તિના માનસ પર ગંભીર નકારાત્મક અસરો કરે છે. જો કે દરેક વ્યક્તિ પર તેમની એક સરખી અસર થતી નથી, પરંતુ વ્યક્તિની ઉમર, માનસિક પરિપક્વતા, પર્સનાલિટી, સંવેદનશીલતા, સમજ, ફેમિલી સપોર્ટ વગેરેના કારણે આ અસરોની તીવ્રતા ઓછી કે વધારે થઇ શકે છે. આમ આત્મહત્યાના બનાવો પાછળ કોઈ એકજ બનાવ ને જવાબદાર ઠેરવી દેવું યોગ્ય નથી અનેક પરિબળો સયુંકત રીતે પણ આત્મહત્યા ના બનાવ માટે જવાબદાર બની શકે છે.
અહીંયા આપણે આત્મહત્યા કરવા પાછળના કારણોની ચર્ચા કરી, આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટે આપણે ક્યા પ્રયત્નો કરી શકીએ તે અંગેની ચર્ચા આપણે પાર્ટ-૨ માં કરીશુ.

© GIPS Hospital. All Rights Reserved. Designed by PlusOneHMS