માનસિક બીમારી થવાના કારણો

માનસિક દર્દી અને માનસિક દર્દીના પરિવારજનોને માનસિક બીમારી થવાનું કારણ શું છે એ પ્રશ્ન મુંજવતો હોય છે.માનસિક બીમારીઓ માટે કોઈપણ એક કારણ જવાબદાર હોતું નથી. માનસિક બીમારીઓ થવા માટે અનેક પ્રકારના પરિબળો ભાગ ભજવે છે. આવા પરિબળો અંગેની ચર્ચા કરીએ.

1. મગજમાં થતાં કેમિકલના ફેરફારો :-
શરીરમાં જેમ લોહી અને વિટામીન ઓછા થાય તો શારીરિક અશક્તિ આવી જાયછે તેમ મગજમાં ન્યુરોટ્રાન્સમીટર કેમિકલનું પ્રમાણ ઓછુંવત્તું થવાથી માનસિક બીમારીઓ થઈ શકે છે. આ કેમિકલના ફેરફારો માપવાનો કોઈ લેબોરેટરી ટેસ્ટ નથી, ‘મગજ’ ધરાવતા દરેક મનુષ્યને માનસિક બીમારી થવાની સંભાવના હોય છે,માનસિક બીમારી દરેક ઉમરના વ્યક્તિ,ભણેલા- અભણ,ધનવાન-ગરીબ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. મગજમાં આવેલા સરોટોનીન, ડોપામીન,ગાબા, નોરએપીનેફ્રીન જેવા કેમિકલ( રસાયણ)ની વધ-ઘટ ને લીધે માનસિકબીમારી થઈ શકે છે.

2. મનોવૈજ્ઞાનિક કારણો :-
જીવનમાં અચાનક આવતા સારા કે ખરાબ સામાજિક/ આર્થિક/વ્યક્તિગત/ કૌટુંબિક બદલાવ જેવાકે છૂટાછેડા, બેકારી, નોકરીમાં પ્રમોશન, પ્રિયજનનું મૃત્યુ, લાંબાગાળાની માંદગી, અભ્યાસમાં નિષ્ફળતા, આર્થિકતંગી, સામાજિક જવાબદારીનો ભાર, માતપિતાની બાળક પ્રત્યે રખાતી અભ્યાસ અંગે અવાસ્તવિક અપેક્ષાઓ, ભણતરનું દબાણ, પરીક્ષાની ચિંતા-ડર,શારીરિક માનસિક અને જાતીય સતામણી, વિભક્ત કુટુંબો, કુટુંબના સભ્યો વચ્ચે સંઘર્ષ વગેરે કારણોને લીધે થતી બીમારીઓને સામાન્ય ગણી લેવામાં આવે છે, સમાજમાં ઘણાલોકો આવી આઘાતજનક પરિસ્થિતિમાથી પસાર થાયછે અનેતેનો સામનો પણ કરે છે, તેથી આવી દરેક વ્યક્તિને માનસિકબીમારીઓ થાય એવું હોતુ નથી. નકારાત્મક ઘટનાથી જ માનસિક બીમારીઓ થાય એવું જરૂરી નથી, ઘણીવાર હકારાત્મક ઘટનાઓ જેમકે નોકરીમાં પ્રમોશન, લગ્ન, બાળકોના જન્મ, કુટુંબમાં આવનાર નવી વ્યક્તિ વગેરે કારણો પણ માનસિક બીમારીઓ થવામાં કારણભૂત બને છે.

3. વારસાગત કારણો :-
કેટલીક માનસિક બીમારીઓએ વારસાગત જોવા મળે છે, અમૂક કુટુંબોમાં ડિપ્રેશન, બાયોપોલર મૂડ ડિસઓર્ડર, સ્કીજોફ્રેનિયા, પર્સનાલીટી ડિસઓર્ડર, ADHD, ડિસલેક્ષિયા, ડિમેન્શિયા જેવી માનસિક બીમારીઓ પેઢી દર પેઢી જોવા મળે છે, પરંતુ માનસિક બીમારી હમેશાથી વારસાગત જોવા મળતી નથી.

4. અમૂક શારીરિક કારણો :-
અમૂક શારીરિક બીમારીઓને લીધે પણ માનસિક બીમારીઓ ઉદભવે છે, હાયપોથાઈરોઇડ, વિટામિનની ઉણપ, શરીરમાં લોહીની ઉણપ, લાંબી શારીરિક બીમારીઓ કેન્સર, ટીબી જેમાં ડિપ્રેશન અને ચિંતારોગના લક્ષણો જોવા મળેછે. અમૂક ન્યુરોલોજીકલ બીમારીઓ જેવીકે મગજનો તાવ, માથામાં ઈજા, પાર્કીન્સન , ખેંચ વગેરેમાં પણ માનસિક બીમારીના લક્ષણો જોવા મળે છે. ઓબેસીટી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓના લીધે પણ સેક્સની તકલીફો થઈ શકે છે.

5. શારીરિક બીમારીઓમાં માટે લેવામાં આવતી દવાઓની આડઅસર :-
પ્રોસ્ટેટ માટેની અમૂક દવાઓ, એન્ટીડિપ્રેશન, એન્ટીસાયકોટીક, ચિંતારોગની દવાઓના કારણે સેક્સની તકલીફ થઈ શકે છે. ફ્લુનારીજીન, બીટાબ્લોક્ર્સ, HIV રોગની અમુક દવાઓ વગેરે દવાઓના લીધે ડિપ્રેશન થઈ શકે છે. અમુક સંવેદનશીલ દર્દીઓમાં આપવામાં આવતી એન્ટીડિપ્રેશન દવાઓના લીધે મેનિયા નો પણ હુમલો થઈ શકે છે.

6. વ્યક્તિના સ્વભાવગત લક્ષણો :-
નકારાત્મકવલણ, આત્મવિશ્વાસનો અભાવ, લાગણી વ્યક્ત કરવાની અસમર્થતા, વધારે ચિંતાવાળો સ્વભાવ, વધારે લાગણીશીલ સ્વભાવ, અંતમુર્ખી સ્વભાવ, વિચારોની અપરિપક્વતા , મુશ્કેલીઓનો સામનો કરવાની અસમર્થતા, પ્રશ્નોનાં ઉકેલ માટે નકારાત્મક વલણ વગેરે જેવા કારણોને લીધે પણ વ્યક્તિ ડિપ્રેશન અને ચિંતારોગનો ભોગ બની શકે છે.

7. શરીરમાં હોર્મોન્સમાં થતાં ફેરફારો :-
સ્ત્રીઓમાં પીરીયડ વખતે અને મેનોપોજમાં આવતા હોર્મોન્સના ફેરફારને કારણે પણ ડિપ્રેશન અને ચિંતારોગ નાં લક્ષણો આવી શકે છે. થાયરોઇડની બીમારીમાં પણ ચિંતારોગનાં લક્ષણો જોવા મળે છે, આ ઉપરાંત પ્રેગ્નેન્સીનાં સમયે થતાં હોર્મોન્સનાં બદલાવથી ડિપ્રેશન, સાયકોસીસ થઈ શકે છે. ડીલીવરી પછીના હોર્મોન્સનાં ફેરફારોનાં કારણે પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થવાની શક્યતાઓ રહે છે.

8. માદક દ્રવ્યોનાં સેવનનાં કારણે:-
ગાંજા, વીડ,ચરસ જેવા દ્રવ્યોનાં સેવનથી સાયકોસીસ અને ડિપ્રેશનનાં લક્ષણો આવી શકે છે, દારૂ, ઊંઘની ગોળી, અફીણ નાં કારણે ડીમેન્શિયા, ડીપ્રેશન અને મેમરીને લગતી બીમારીઓનાં લક્ષણો આવી શકે છે.

9. અન્ય કારણો:-
માનસિકબીમારી થવાનાં અન્ય કારણોમાં વ્યક્તિની બદલાતી જીવનશૈલી, શારીરિક કસરતોનો અભાવ, બેઠાડુંજીવન, અનિયમિત ખોરાક. જંકફૂડ પણ માનસિક અસ્વસ્થતામાં વધારો કરે છે. આ ઉપરાંત ઇન્ટરનેટ, સોશિયલ મિડિયા, ઇલેકટ્રોનિક સાધનોનો અયોગ્ય રીતે વધુ ઉપયોગ પણ માનસિક સમસ્યાઓ માટે જવાબદાર બને છે.

© GIPS Hospital. All Rights Reserved. Designed by PlusOneHMS