બાયપોલર મૂડ ડિસઓર્ડર (દ્રિધ્રુવી રોગ)

બાયપોલર મૂડ ડિસઓર્ડર ના ડિપ્રેસિવ એપિસોડની ચર્ચા પાર્ટ-૧ માં કરી, અહીં આપડે બાયપોલર મૂડ ડિસઓર્ડર ના મેનિક એપિસોડ અંગે ચર્ચા કરીએ.

  • બાયપોલર મેનિયા નો એપિસોડ

આ એપિસોડમાં દર્દીના લક્ષણોમાં મુખ્યત્વે કારણ વગર મન ખુબ ખુશ રહેવું અથવા ગુસ્સામાં રહેવું. કોઈપણ પ્રકારના ખરાબ સમાચાર કે પરિસ્થિતિ વ્યક્તિના અતિ ઉત્સાહિત મન પર અસર કરતા નથી. વ્યક્તિ વધારે પડતો આશાવાદી બની જાય, આત્મવિશ્વાસ અસામાન્ય રીતે વધી જાય, સારા ખરાબ નું ભાન ના રહે. ઊંઘ ખુબ જ ઓછી થઇ જવી, વ્યક્તિને ઊંઘની જરૂરિયાત ઓછી લાગવી, ઓછી ઊંઘ લેવા છતાં ફ્રેશ લાગવું, વધારે પડતું બોલ બોલ કરવું, કારણ વગર પણ દલીલો કરવી, લોકો સાથે તરત જ ભળી જવું, કોની સાથે શું વાત કરવી એનું ભાન ના રહેવું, ગીતો ગાવા જોડકણાં બનાવવા, વણમાંગી સલાહ આપવી, વાતચીત દરમ્યાન બહુ ઝડપથી વિચારો અને ટોપિક બદલાતા જવા, નાની-નાની વાતમાં અકળાઈ જવું, ચિડાઈ જવું, કારણ વગર વધુ પડતા ખર્ચ કરવા, બિનજરૂરી ખરીદી કરવી, વિચાર્યા વગર ધંધા માં કે શેરબજાર માં રોકાણ કરવું, ગજા બહારના મોટા મોટા નિર્ણયો લેવા, ધાર્મિક પ્રવૃતિઓમાં વધારે પડતો રસ લેવો, વિચાર્યા વગર દાનધર્મ કરવું કે સેવાકાર્ય માં જોડાઈ જવું, મનમાં પુષ્કળ વિચારો આવવા, મનમાં મોટા વિચારો આવવા, પોતે કાઈ વિશેષ મહાન વ્યક્તિ છે અથવા પોતાની પાસે ખુબ પૈસો, ઓળખાણ, શક્તિ છે એવું લાગવું. કામ કરવાની સ્પીડ વધી જવી, વધુ કાર્યરત રહેવું, એક કામ પાર લાંબા સમય સુધી ધ્યાન ના રાખી શકવું, મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ, ઇન્ટરનેટ પ્રવૃત્તિ વધી જવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

આ પ્રકારના લક્ષણો માંથી અમુક લક્ષણો સતત ૪-૭ દિવસ સુધી લગભગ ચોવીસ કલાક જોવા મળે અને એના કારણે વ્યક્તિના કામકાજ, સામાજિક સબંધો, શારીરિક અને દૈનિક જીવન પર એની અસર જોવા મળે તો મેનિયા નો એપિસોડ કહી શકાય.

મેનિયાના એપિસોડમાં અમુક દર્દીને શંકા, વહેમ, કાનમાં ભણકારા સંભળાય છે કે પોતે કોઈ દેવી દેવતા છે, આત્મા છે, ભગવાન છે એવું લાગવું જેવા સાયકોટીક લક્ષણો પણ જોવા મળી શકે છે.

મેનિયાના એપિસોડમાં દર્દી અમુકવાર હિંસક વર્તન પણ કરી શકે છે કોઈકવાર પોતાની જાતને કે બીજાને ઇજા કે નુકશાન પહોંચાડી શકે છે. મેનિયાના એપિસોડમાં અમુક દર્દી દારૂ, ગાંજો, અફીણ જેવા વ્યસનોના રવાડે પણ ચડી જતો હોય છે. અયોગ્ય રીતે અને અયોગ્ય પ્રમાણમાં જાતીય સબંધો પણ બાંધી દે છે અથવા ખોટા અસામાજિક કાર્યમાં પણ જોડાઈ જતો હોય છે જેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.

  • હાઇપોમેનિયા નો એપિસોડ

આ એપિસોSમાં દર્દીના લક્ષણો મેનિયા જેવા જ હોય છે પણ હળવી માત્રામાં હોય છે અને આ લક્ષણો ની દર્દીના કામકાજ પર બહુ ખાસ અસર જોવા મળતી નથી.

આવા દર્દીઓ દેખીતી રીતે નોર્મલ લાગે, સામાન્ય રીતે કામ પણ કરે પણ તેના વર્તનમાં આવેલું પરિવર્તન તેની નજીકના સ્વજનો તરત જ પારખી શકે છે. દર્દીને હાયપોમેનિયાની સ્થિતિ ખુબ સારી લાગે છે, પરંતુ ઘણીવાર હાઇપોમેનિયાની સ્થિતિમાં યોગ્ય ટ્રીટમેન્ટ નહીં મળવાથી મેનિયા થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે.

  • મિક્સ એપિસોડ

બાયપોલર ડિસઓર્ડર થી પીડાતા અમુક દર્દીને મેનિયા અને ડિપ્રેશન એમ બંનેના લક્ષણો ભેગા એક સાથે હોવા નો અનુભવ થાય છે જેને મિક્સ એપિસોડ કહી શકાય, જેમકે કામ કરવાની શક્તિ ખુબ વધારે પણ એકાગ્રતાનું સ્તર ઓછું હોય અને મન પણ ઉદાસ રહેતું હોય.

આ એપિસોડ માં પણ ડિપ્રેશન ના એપિસોડની જેમ આત્મહત્યાનું પ્રમાણ જોવા મળે છે.

આવા બાયપોલર મૂડ ડિસઓર્ડર વાળા વ્યક્તિઓ જો તમારી આસપાસ હોય કે તમે કે તમારા પરિવારના કોઈ સદસ્ય જો આવા રોગ થી પીડાતા હોય તો વહેલી તકે સાઈક્રિયાટ્રીસ્ટ નો સંપર્ક કરી સારવાર ચાલુ કરાવો અને માનસિક રીતે સ્વસ્થ રહો.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS